પ્રમુખ વર્ષાબેન પટેલ તપાસ કરવા ગયા પરંતુ પાલિકાની હદમાં નહી હોવાથી લાચાર
કડા રોડ ઉપર મંજુરી વગર વહેળામાં પાઈપો નંખાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અડધા વિસનગર શહેરના વરસાદી પાણીનો નિકાલ જે વહેળામાં થાય છે ત્યાં મંજુરી વગર પાઈપલાઈનો નાખવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પાલિકાની હદમાં આવતુ નહી હોવાનુ જણાવી પ્રમુખ વર્ષાબેન પટેલે હાથ અધ્ધર કર્યા છે. જોકે તત્કાલીન પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ બીલ્ડરોની શેહમાં આવ્યા વગર નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા વરસાદી વહેળામાં થતા દબાણ દુર કરવા કડક સુચના આપી હતી. માર્ગ મકાન વિભાગ કે લાગતા વળગતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા રોકટોક વગર બીલ્ડરો દ્વારા મનમાની કરી વહેળાના ભાગે પાઈપલાઈનો નાખવામાં આવી રહી છે. ભારે વરસાદમાં છેવટે તો વિસનગરના નિચાણવાળા વિસ્તારોનેજ સહન કરવાનુ છે.
વિસનગરમાં કડા રોડ ઉપર વરસાદી વહેળાના માર્ગે કોઈપણ જાતની પૂર્વ મંજુરી વગર પાઈપલાઈનો નાખી બીલ્ડરો દ્વારા દબાણ કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચર્ચાના એરણે ચડી છે. અડધા વિસનગર શહેરનું વરસાદી પાણીનો આ વહેળાના માર્ગે નિકાલ થાય છે. ત્યારે માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય વિભાગોની મંજુરી મેળવી તેમની ગાઈડલાઈન પ્રમાણે વરસાદી પાણી ન રોકાય તેટલા વ્યાસની પાઈપલાઈનો નંખાય તે હિતાવહ છે. પરંતુ તંત્રની ગાઈડલાઈન પ્રમાણે પાઈપો નાખવી ખર્ચાળ હોવાથી બીલ્ડરો પોતાની મનમાની પ્રમાણે નાની પાઈપો નાખી રહ્યા છે. કડા રોડ ઉપર પાઈપલાઈન નંખાતા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કોર્પોરેટર વિજયભાઈ પટેલ, આર.ડી.પટેલ વિગેરે તપાસ કરવા ગયા હતા. ત્યારે પાલિકા હદની બહારનો આ વિસ્તાર હોઈ લાચાર બની પરત ફર્યા હતા. જોકે બીલ્ડરની મનમાની સામે હાથ અધ્ધર કર્યા તેવુ પણ કહી શકાય. મહેસાણા રોડ ઉપર મોરવેલ લેબોરેટરીની પાછળ અને સંસ્કૃતિ બંગ્લોઝના વરંડાની આગળના ભાગે પસાર થતા શહેરના વરસાદી પાણીના વહેળામાં પણ માટી પુરાણ કરી ખેતરમાં જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલે વરસાદી વહેળામાંથી માટી પુરાણનુ દબાણ દૂર કરવા માટે મોહીમ ઉપાડી હતી. હવે પાલિકા સભ્ય બન્યા બાદ પોતાની પાસે સત્તા હોવા છતા વિચાર કરી રહ્યા છે. આ વહેળાની પણ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, વિજયભાઈ પટેલ, આર.ડી.પટેલ વિગેરેએ મુલાકાત લીધી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ઉપર આવી શક્યા નથી.
• શહેરને નુકશાન ન થાય તેનો વિચાર કરી વિકાસ થવો જોઈએ-ફુલચંદભાઈ પટેલ
• નાયબ મુખ્યમંત્રીએ વરસાદી વહેળામાં દબાણ થતુ હોય તો તાકીદે દુર કરવા કડક સુચના આપી હોવા છતાં તંત્રના આંખ આડા કાન
અત્રે ઉલ્લેખનીય છેકે, આ બન્ને વરસાદી પાણીના વહેળા પાલિકા હદ વિસ્તારની બહાર હોવા છતાં તત્કાલીન પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા જીલ્લા સંકલનમાં વહેળામાં થયેલા દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાલિકાના લેટરપેડ ઉપર નાયબ મુખ્યમંત્રી સમક્ષ ગોવિંદભાઈ ગાંધી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, કડા રોડ ઉપર તથા મહેસાણા રોડ ઉપર બીલ્ડરો દ્વારા નવીન રેસીડેન્સીયલ સ્કીમો પાડી વરસાદી પાણીના વહેળામાં પાઈપલાઈનો નાખી દબાણ કરવામાં આવી રહ્યુ છે. શહેરના વરસાદી પાણીનો બે મુખ્ય વહેળા મારફતે નિકાલ થાય છે. વહેળામાં દબાણ કરી પાઈપો નાખવામાં આવશે તો વરસાદી પાણીનો નિકાલ થશે નહી અને શહેરને ભારે નુકશાન સહન કરવુ પડશે. જે રજુઆત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વરસાદી વહેળામાં થયેલા દબાણો દુર કરવા તંત્રને સુચના આપી હતી. પરંતુ ખાયકી કરતા અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રીની સુચનાને પણ ગણકારી નથી.
પાલિકાના પૂર્વ સભ્ય ફુલચંદભાઈ પટેલે ચીંતા વ્યક્ત કરી છેકે, ભારે વરસાદમાં પાણી રોકાશે તો નિચાણવાળા વિસ્તારોને નુકશાન થવાનુ છે. બીલ્ડરોએ શહેરનો વિચાર કરી વિકાસ કરવો જોઈએ. પાઈપલાઈનો નાખવામાં આવી છે તેની સફાઈ માટે મેનહોલ રાખવામાં આવ્યા નથી. વરસાદી પાણી સાથે માટી અને ઝાડી ઝાંખરા પાઈપોમાં ભરાઈ જશે તો પાઈપો બ્લોક થઈ જશે.વરસાદી પાણીનો નિકાલ થશે નહી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. વરસાદી વહેળામાં થતા દબાણ તાત્કાલીક રોકવામાં નહી આવે તો ભારે વરસાદમાં શહેરમાં મોટુ નુકશાન થવાનુ છે.
↧
પ્રમુખ વર્ષાબેન પટેલ તપાસ કરવા ગયા પરંતુ પાલિકાની હદમાં નહી હોવાથી લાચાર કડા રોડ ઉપર મંજુરી વગર વહેળામાં પાઈપો નંખાઈ
↧