તંત્રની પૂર્વ મંજુરી વગર વહેળામાં પાઈપલાઈન નાખતા
કડા રોડ પાઈપલાઈન વિવાદમાં અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ કરશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કડા રોડ ઉપર આવેલા વરસાદી પાણીના નિકાલ કરતા વહેળામાં મંજુરી વગર પાઈપલાઈનો નાખતા ભારે હોબાળો થયો છે. વહેળામાં થયેલા દબાણો દુર કરવાની નાયબ મુખ્યમંત્રીની સુચના હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા પુષ્કળ પ્રમાણમાં દબાણો થયા છે. પ્રચાર સાપ્તાહિકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યુ છે. પાઈપલાઈનના દબાણ બાબતે સ્થળ તપાસ કરવા અધિકારીઓની ટીમ મુલાકાત લેવાની હોવાનુ જાણી દબાણ કરતા બીલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.
વિસનગરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતા વહેળામાં બીલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે પૂર્વ મંજુરી વગર પાઈપલાઈનો નાખવામાં આવી છે. મહેસાણા રોડ ઉપર સંસ્કૃતિ બંગ્લોઝ આગળના વહેળાના ભાગમાં પણ પુરાણ કરવામાં આવ્યુ છે. ભારે વરસાદમાં આ પાઈપોમાંથી વરસાદી પાણીનો નિકાલ થવો અશક્ય છે. જેના કારણે વિસનગરના નિચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય તેમ છે. વહેળામાંથી આવા દબાણો દુર કરવા માટે તત્કાલીન પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત સંદર્ભે વરસાદી વહેળામાં દબાણો થયા હોય તો તાત્કાલીક દુર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારે લાગતા વળગતા અધિકારીઓએ બીલ્ડરોના હિતમાં આ વિવાદમાં એકબીજાને ખો આપતા નાયબ મુખ્યમંત્રીનો હુકમ અભરાઈએ ચડી ગયો હતો. અધિકારીઓ અને બીલ્ડરોના મેળાપીપણામાં કોઈ કાર્યવાહી નહી થતા વરસાદી વહેળામાં મનફાવે તેમ હજુ પણ મંજુરી વગર દબાણો થઈ રહ્યા છે. કડા રોડ ઉપર વરસાદી વહેળામાં મંજુરી વગર પાઈપલાઈનો નાખવામાં આવતા ભારે હોબાળો થયો હતો. જે અંગેનો અહેવાલ પ્રચાર સાપ્તાહિકમાં પ્રસિધ્ધ થતા તંત્ર ફરીથી સફાળુ જાગ્યુ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ માર્ગ મકાન વિભાગના પણ મંત્રી છે. છતા તેમના વિભાગના અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રીના હુકમની અવગણના કરી છે. ત્યારે હવે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન પેટા વિભાગ વિસનગર દ્વારા, ધરોઈ નહેર વિભાગ, નગરપાલિકાના અધિકારી, પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી, વિસનગર પાલિકા પ્રમુખ, માર્ગ મકાન વિભાગના અધિકારી વિગેરે લાગતા વળગતા અધિકારીઓને પત્રો લખી સંયુક્ત મુલાકાત કરી સ્થળ સ્થિતિનુ નિરિક્ષણ કરવા જણાવવામાં આવ્યુ છે. આ તમામ અધિકારીઓ તા.૮-૬-૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કડા ચાર રસ્તા વિવાદના સ્થળે હાજર રહેવા સુચના આપવામાં આવી છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયથી પત્ર દ્વારા સુચના મળેલ હોઈ તેમજ સત્વરે પ્રશ્નનુ નિરાકરણ કરવુ ખુબજ જરૂરી હોઈ ખાસ હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે. વરસાદી વહેળામાં થયેલા દબાણો દુર કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં કયા અધિકારીઓએ આ હુકમનો અનાદર કર્યા છે તેની તપાસ કરી આવા લાલચુ અધિકારીઓ વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.