કડા રોડ દબાણ હટાવવાની કાર્યવાહી એક બાજુ રહેતા દબાણકારો ખુશ
કોની સત્તામાં આવે છે તેનો તંત્રના અધિકારીઓ વચ્ચે વિવાદ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વરસાદી વહેળામાં થયેલા દબાણો દુર કરવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી. પરંતુ લાલચુ અધિકારીઓના કારણે નાયબ મુખ્યમંત્રીની સુચના કોરાણે મુકાઈ હતી. વહેળામાં મંજુરી વગરના દબાણ સંદર્ભે અધિકારીઓની સંયુક્ત ટીમે તપાસ કરી હતી. જેમાં દબાણ દુર કરવાની વાત તો એકબાજુ રહી હતી. પરંતુ કોની સત્તામાં આવે છે તેવો અધિકારીઓ વચ્ચે વિવાદ થતા દબાણકારોમાં ખુશાલી જોવા મળી હતી.
તંત્રની નિષ્ક્રીયતા તેમજ અધિકારીઓ તથા બીલ્ડરો વચ્ચેની સાઠગાંઠમાં વિસનગરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતા વહેળામાં દબાણો થઈ રહ્યા છે. વરસાદી પાણીનો નિકાલ નહી થાય તો ભારે વરસાદમાં શહેરમાં તારાજી સર્જાશે તેવી લોકો ચીંતા વ્યક્ત કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ એક વર્ષ અગાઉ રજુઆત થતા વરસાદી વહેળામાં દબાણ થયા હોય તો દુર કરવા કડક સુચના આપી હતી. નાયબ મુખ્યમંત્રીની સુચનાનો કોઈ અમલ નહી થતા કડા રોડ ઉપર મંજુરી વગર પાઈપલાઈનો નાખી ફરીથી દબાણ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ત્યારે દબાણ હટાવવા લાગતા વળગતા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમની તપાસનો નિર્ણય કરાયો હતો. તા.૮-૬-૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે વિસનગર માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ જી.ચૌધરી, પાતાળ કુવા શાખાના ઈજનેર યુ.કે.પટેલ, માર્ગ મકાન વિભાગ પંચાયતના ઈજનેર એ.ડી.પટેલ, ધરોઈ સબ ડિવિઝન નહેર-૩ ના ઈજનેર કે.પી.પટેલ, તથા પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તેમજ ચુંટાયેલી પાંખના પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ, ટાઉન પ્લાનીંગ ચેરમેન જે.ડી.પટેલ, વસુલાત કમિટિના ચેરમેન આર.ડી.પટેલ વિગેરેએ પાઈપલાઈન દબાણ સ્થળે હાજરી આપી હતી.
અધિકારીઓની ટીમે તપાસ કરતા ૧૨૦૦ એમ.એમ. પાઈપોની બે લાઈન નાખવામાં આવી છે. ત્રીજી લાઈન નાખવામાં આવી નથી. આગળ બની ચુકેલા માર્કેટમાં પાઈપલાઈન સાફ કરવા ક્યાંય કુંડી બનાવવામાં આવી નહી હોવાનુ પણ જણાયુ હતુ. પાઈપલાઈનના ઉપરના ભાગે ગાર્ડન બનાવી દેતા સાફ કંઈરીતે કરી શકાય તેની પણ ચર્ચા થઈ હતી. પાઈપલાઈન ઉપર ગાર્ડન બનાવવા કોને મંજુરી આપી તેના પણ કોઈ પુરાવા મળ્યા નહોતા. ૧૯૯૭ ના પૂર આવ્યુ ત્યારબાદ ૨૩ વર્ષના ગાળામાં ક્યારેય પણ વરસાદી પાણી ભરાયુ નથી તેની પણ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
મંજુરી વગર નાખવામાં આવેલ પાઈપલાઈનનુ દબાણ દૂર કરવા અધિકારીઓની સંયુક્ત ટીમે તપાસ ગોઠવી હતી. પરંતુ દબાણ દૂર કરવાનુ તથા સ્થળ અને વહેળાનો ભાગ કોની સત્તામાં આવે છે તેની ચર્ચા થતા તંત્રના આ અધિકારીઓએ એકબીજા ઉપર જવાબદારી નાખી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સુચનાથી સંયુક્ત ટીમની તપાસ હતી. ત્યારે દબાણ દુર કરવા કોઈએ જવાબદારી લીધી નહોતી. દબાણ દુર કરવાના વિવાદમાં કોની સત્તા તે નવો વિવાદ શરૂ થયો હતો. દબાણ દુર કરવાની કોને જવાબદારી આપવી તે નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે એકબીજાને ખો આપવાની અધિકારીઓની આ વૃત્તિના કારણેજ દબાણો થઈ રહ્યા છે. અધિકારીઓ વચ્ચેના આ વિવાદના કારણે આ ચોમાસામાં વરસાદી વહેળામાંથી દબાણો દુર થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.