Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા રોગી કલ્યાણ સમિતિની મીટીંગ મળી સિવિલ હોસ્પિટલમાં રૂા.૩૦૦/-માં ડી-ડાયમર,સીઆરપી ટેસ્ટ થશે

$
0
0

હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા રોગી કલ્યાણ સમિતિની મીટીંગ મળી
સિવિલ હોસ્પિટલમાં રૂા.૩૦૦/-માં ડી-ડાયમર,સીઆરપી ટેસ્ટ થશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે વિસનગર સિવિલ હોસ્પિટલ સુવિધાઓથી સજ્જ કરવા રોગી કલ્યાણ સમિતિ હરકતમાં આવી છે. પ્રાન્ત ઓફીસમાં મળેલી મીટીંગ બાદ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી પી.એમ.જોષી, હોસ્પિટલના ર્ડાક્ટર તથા રોગી કલ્યાણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં રીવ્યુ મીટીંગ મળી હતી. જેમાં હોસ્પિટલનો વિકાસ તથા સુવિધાઓ વધારવા માટેની ચર્ચા થઈ હતી.
વિસનગર સિવિલ હોસ્પિટલ પ્રત્યે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભેદભાવ રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીની બીજી લહેરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી લોકફાળો મેળવી ઓક્સીજન બેડ સાથેની સારવાર આપવામાં આવતા હવે સિવિલ હોસ્પિટલનુ મહત્વ સમજાયુ છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોઈ હોસ્પિટલમાં તબીબી સુવિધાઓ વધારવા તેમજ દર્દિઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે ધારાસભ્યના માર્ગદર્શનમાં રોગી કલ્યાણ સમિતિ હોસ્પિટલના વિકાસ માટે પ્રયત્નશીલ બની છે. તા.૨-૬-૨૧ ના રોજ પ્રાન્ત ઓફીસમાં રોગી કલ્યાણ સમિતિની મીટીંગ મળ્યા બાદ તેમાં લેવાયેલા નિર્ણયોનુ શું થયુ તેની ચર્ચા માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં તા.૯-૬-૨૧ના રોજ રીવ્યુ મીટીંગ મળી હતી. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.પી.એમ.જોષી, સિવિલ અધિક્ષક ર્ડા.નેહાબેન શાહ, ર્ડા.શર્મિષ્ઠાબેન ચૌધરી, ર્ડા.ગાર્ગીબેન પટેલ, સમિતિના સભ્ય પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઈશ્વરલાલ નેતા, જે.કે.ચૌધરી, પટેલ કિર્તિભાઈ કલાનિકેતન, પરમાર વિજયભાઈ ખુરાના, અજમલજી ઠાકોર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.
કોરોના સંક્રમણનો ભોગ બનનારને ડી-ડાયમર તથા સીઆરપી ટેસ્ટની જરૂરીયાત ઉભી થાય છે. આ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં રૂા.૮૦૦ થી ૯૦૦ મા થાય છે. સંક્રમણની જેને વધારે અસર હોય તે દર્દિને દર ત્રણ-ચાર દિવસે ટેસ્ટ કરાવો પડતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં ડી-ડાયમર ટેસ્ટનુ મશીન દાનમાં મળતા જેનો લાભ શહેર અને તાલુકાના લોકોને મળે તે માટે સિવિલ હોસ્પિટલમાં આ બન્ને ટેસ્ટ રૂા.૩૦૦/- માં કરી આપવા નિર્ણય કરાયો હતો. અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનાર દર્દિઓનો વિનામુલ્યે ટેસ્ટ કરવામાં આવતો હતો. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દિનો વિનામુલ્યે ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ હવે બહારના કોઈ દર્દિ ટેસ્ટ કરાવવા માટે આવે તો રૂા.૩૦૦/- ડી-ડાયમર અને સી.આર.પી.નો ટેસ્ટ કરી આપવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૩૦ લાખના ખર્ચે ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવામાં આવનાર છે. ત્યારે આ પ્લાન્ટના સંચાલન માટે સ્ટાફ નિમણુંક કરવા, ડીજીટલ એક્સ-રે મશીન વસાવવા, ઓપીડી બીલ્ડીંગમાં સીસીટીવી કેમેરા લગાવવા, કોરોનાની ત્રીજી લહેર અન્વયે કોરોના ટેસ્ટ માટે આર.ટી. પી.સી.આર. લેબોરેટરી સ્ટાફની નિમણુક કરવા, હોસ્પિટલમાં ૨૦૦ કે.વી.નુ જનરેટર વસાવવા, જૂનુ ઈલેક્ટ્રીક વાયરીંગ બદલવા, પી.એમ. રૂમ નવો બનાવવા, અલ્ટ્રા મોડલ ટોયલેટ બનાવવા, હોસ્પિટલમાં નવો રોડ બનાવવા વિગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના કૃષ્ણ થીયેટર સામેના ગેટ આગળ દબાણો અને પાર્કિંગના કારણે હોસ્પિટલની એમ્બ્યુલન્સ તથા સાધનોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ગેટ મોટો અને પહોળો કરવામાં આવે તો દબાણો થાય નહી. તે માટે વિસનગર એપીએમસી કોવીડ કેર ફંડમાંથી નવીન ગેટ માટે રૂા.૫ લાખ આપવામાં આવ્યા છે. રોગી કલ્યાણ સમિતિના સભ્ય તેમજ જાણીતા આર્કિટેક નિગમભાઈ ચૌધરી દ્વારા ગેટની ડીઝાઈન તૈયાર કરવામાં આવતા ટુંક સમયમાં નવીન ગેટ બનાવવામાં આવશે. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને રોગી કલ્યાણ સમિતિના સભ્યોમાં હાલમાં હોસ્પિટલના વિકાસમાં જે જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જળવાશે તોજ હોસ્પિટલનો વિકાસ શક્ય બનશે. બાકી હોસ્પિટલની પરિસ્થિતિ એની એજ રહેશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles