પાલિકાએ વેપારીઓના સહકારમાં બ્રીજ સામે વાંધા અરજી મંજુર કરતો ઠરાવ કર્યો
વિસનગર ગંજ બજાર ફાટક ઓવરબ્રીજનું ટેન્ડર નેગોશિએશનના સ્ટેજે
બી.એડ્ કોલેજ અને આઈ.ટી.આઈ. ફાટકના બ્રીજના ટેન્ડર માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં
સાંસદ શારદાબેન પટેલના પ્રયત્નોથી ઉપર ઓવરબ્રીજ અને નીચે અંડરબ્રીજની વિશેષ ડીઝાઈન સાથેનું ટેન્ડરીંગ થયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભારતમા ક્યાય જોવા મળ્યુ ન હોય તેવો ઉપર ઓવરબ્રીજ અને નીચે અંડરબ્રીજની ડીઝાઈન સાથેનું વિસનગર ગંજ બજાર રેલ્વે ફાટકના બ્રીજનું ટેન્ડરીંગ થઈ ચુક્યુ છે. ફાટક ઉપરના ઓવરબ્રીજ કે અંડરબ્રીજના વિરોધમાં વાંધા અરજી મંજુર કરતો પાલિકામા ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ટેન્ડરમાં એલ-૧ એજન્સી સાથે નેગોશિએશન ચાલી રહ્યુ છે. બ્રીજ માટે ૧૫ થી ૨૦ દિવસમાં વર્ક ઓર્ડર નિકળશે.
વિસનગર ગંજ બજાર રેલ્વે ફાટક ઉપર બ્રીજની ચર્ચાઓ શરૂ થતા આ વિસ્તારના વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. વેપારીઓની સંમતી બાદ બ્રીજની કામગીરી આગળ વધારવા સાંસદ શારદાબેન પટેલના આગ્રહથી વેપારીઓની મિટીંગ બોલાવવામાં આવી હતી. ઉપર ઓવરબ્રીજ અને નીચે અંડરબ્રીજ બનાવવા વેપારીઓ સંમત થતા બ્રીજની કામગીરી આગળ વધી હતી. કોરોના મહામારીના કારણે બ્રીજનુ ટેન્ડર કામ વિલંબમા મુકાયુ હતુ. ત્યારબાદ ટેન્ડરીંગ કરવામા આવ્યુ હતુ. આ દરમ્યાન વિસનગર પાલિકાની તા.૨૯-૪-૨૦૨૧ની જનરલમાં ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવા બાબતની તજવીજ સામે વાંધા અરજ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મોકલી આપવામાં આવી હતી તે અરજી મંજુર કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. એટલેકે, વેપારીઓના સહકારમાં બ્રીજ નહી બનાવવા જે વાંધાઅરજ કરવામાં આવી હતી તે અરજી માન્ય રાખતો પાલિકામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પાલિકાના આ ઠરાવથી ગંજ બજાર ફાટક બ્રીજ કેન્સલ થયો. બ્રીજ હવે બનશે નહી તેવી અટકળો શરૂ થઈ હતી.
ગંજ બજાર ફાટક બ્રીજ બનશે કે નહી તે બાબતે ગાંધીનગર યુ.જી.ડી.સી.મા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ હતુ કે, ઓવરબ્રીજ અને અંડરબ્રીજની ડીઝાઈન સાથેનુ બ્રીજનુ ટેન્ડરીંગ થઈ ગયુ છે. જેમા ચાર જેટલી એજન્સીઓએ ટેન્ડર ભર્યુ હતુ. ટેન્ડરમાં લોયેેસ્ટ-૧ (એલ-૧)મા અનંતા નામની એજન્સી છે. જે એજન્સી સાથે ટેન્ડરની કિંમત ઘટાડવા નેગોશિએશન ચાલુ છે. ટેન્ડર માટેની ઓનલાઈન તમામ પ્રોસેશ પુર્ણ થઈ ગઈ છે. ફક્ત ટેન્ડરના ભાવ માટે ચર્ચા ચાલી રહી છે. લગભગ ૧૫ થી ૨૦ દિવસમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે.
બી.એડ.કોલેજની જગ્યામાં માર્કેટ બનતુ હોવાથી બીલ્ડરોના હિતમાં એમ.એન.કોલેજ ફાટક ઉપર બ્રીજ બનશે નહી તેવી પણ અટકળો ચાલી રહી છે. ત્યારે એમ.એન.કોલેજ ફાટક તથા આઈ.ટી.આઈ. ફાટક બાબતે જાણવા મળ્યુ છેકે, ગુજરાતના તમામ ફાટક ઉપર ઓવરબ્રીજ કે અંંડરબ્રીજ બનાવી દેશમાં ગુજરાતને ફાટક રહીત રોલ મોડલ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ છે. જે મુજબ ગુજરાતના તમામ ફાટક ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનશે. નરેન્દ્રભાઈ મોદીના નિર્ણય આગળ કોઈનુ કશુ ચાલતુ નથી. ટેકનિકલ કારણો ધરી બ્રીજની કામગીરી વિલંબમાં મુકી શકાય, પરંતુ બ્રીજ જરૂર બનશે. વડાપ્રધાનના અભિગમ મુજબ ગુજરાત સરકાર દ્વારા ૨૭ બ્રીજ બનાવવાના છે. જેમાંથી ૨૨ બ્રીજનુ ટેન્ડરીંગ થઈ ગયુ છે. ૧૭ બ્રીજનો ટુંક સમયમાં વર્કઓર્ડર આપવામાં આવશે. જેમાં વિસનગર ગંજબજાર ફાટક બ્રીજનો પણ સમાવેશ થઈ ગયો છે.