વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની અવળી ગંગા
આરોપીઓ પકડાયા બાદ બાઈક ચોરીના ગુના પોલીસે નોધ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકો ચોરીની ફરિયાદ દાખલ કરાવવામાં કેટલા હેરાન થાય છે અને ફરિયાદ નહી લેવામાં પોલીસ કેવા ગલ્લા તલ્લા કરે છે તે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની રીતભાત ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં અવળી ગંગા જેવી કાર્યવાહી થાય છે. ચોરો પકડાયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. મહેસાણા બી.ડીવીઝને પુછપરછ દરમ્યાન બાઈક ચોરોને ઝડપ્યા હતા. જે બાઈક ચોરોએ વિસનગર શહેર અને તાલુકામાંથી બાઈક ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ.
મહેસાણા તાલુકાના અબાસણ ગામના અને હાલ અમદાવાદ ચાંદલોડીયા ખાતે રહેતા વિજયકુમાર છનાભાઈ વાલાભાઈ પરમાર તા.૧૧-૭-૨૧ ના રોજ જી.જે.૦૨ સી.કે.૦૨૬૯ નંબરનુ બાઈક લઈ કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. જેમનુ બાઈક ચોરાયુ હતુ. વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના જયંતીજી જીવણજી ઠાકોર તા.૪-૭-૨૧ ના રોજ જી.જે.૧૮ સી.કે.૨૮૯૪ નંબરનુ બાઈક લઈ કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા આવતા બાઈક ચોરાયુ હતુ.
વિસનગર તાલુકાના ગોઠવા ગામે સહકારી દુધ ડેરીની સામે કડવા પાટીદાર મ્હાડમાં રહેતા અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા હેમંતકુમાર અશ્વીનભાઈ પટેલે જી.જે.૧૮ સી.એફ. ૬૯૮૮ નંબરનુ બાઈક ઘર આગળ પાર્ક કર્યુ હતુ. જે તા.૨૬-૬-૨૧ ના રોજ રાત્રીના સમયે ચોરાયુ હતુ. વિજાપુર તાલુકાના કુકરવાડા ગાયત્રી સોસાયટીમાં રહેતા સોમાભાઈ મોહનદાસ પટેલ તા.૨૪-૭-૨૧ ના રોજ કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરે પોતાનુ જી.જે.૦૨ સી.એફ.૮૫૦૬ નંબરનુ બાઈક લઈ દર્શન કરવા આવ્યા હતા. જે બાઈક ચોરાયુ હતુ.
જે તે સમયે બાઈક ચોરીનો ગુનો નોધાયો નહોતો. જેમાં તાલુકા પોલીસની ગલ્લા તલ્લા કરવાની રીત સરમ જવાબદાર હોય તેવુ જણાય છે. બાઈક ચોરીની ફરિયાદ નોધાવવા માટે ધક્કા પણ ખાધા હશે પરંતુ જે તે બીટના જવાબદાર કર્મચારીઓ કે તાલુકા પી.આઈ.એ કોઈ નોધ લીધી હોય તેવુ જણાતુ નથી. જોકે આવી તો મોટાભાગના પોલીસ સ્ટેશનોની દશા છે. જીલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહીલે આ બાબતે તપાસ કરી વાહન ચોરીની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરતા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
મહેસાણા બી.ડીવીઝનના પોલીસ સ્ટેશનના પી.આઈ.બી.એમ.પટેલ, પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ તથા સ્ટાફના કર્મચારીઓને વિસનગર શહેર અને તાલુકામાંથી બાઈક ચોરનાર ગેંગની બાતમી મળી હતી. પોલીસે પુછપરછ કરતા વિસનગર તાલુકાના ગોઠવા ગામના અજીતજી મેલાજી ઠાકોર, ધર્મેશજી પ્રવિણજી ઠાકોર તથા દેણપ રોડ વિસનગરનો ગોપાલજી પ્રહેલાદજી ઠાકોરે ૧૪ બાઈક ચોરીની કબુલાત કરી હતી. પોલીસે ચોરીના બાઈક કબજે કર્યા હતા. બાઈક ચોર ઝડપાયા બાદ વિસનગર તાલુકા પોલીસે તા.૧૩-૮-૨૧ ના રોજ એક સાથે બાઈક ચોરીના ચાર ગુના દાખલ કર્યા હતા. વાહન ચોરાયુ હોય તો વાહન માલિક ચોરીની ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો ન હોય તેવુ બને નહી. ચોરો પકડાયા બાદ તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોધી તાલુકાની જનતાને ફરિયાદ દાખલ કરાવવા કેટલી તકલીફ પડે છે તે સાબીત કરી બતાવ્યુ છે.