Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો –કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા

$
0
0

સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી વારંવાર બની રહેલો
કાંસા રોડ તૂટતા ભાજપમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા દેખાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી બનાવેલો સીસી રોડ તૂટતા ભાજપ સરકારમાં થતા ભ્રષ્ટાચારના કાંકરા બહાર દેખાયા છે. ત્યારે સરકાર લાખોના ખર્ચે બનાવેલા રોડમાં નિષ્કાળજી કે ગેરરીતી કરનાર કોન્ટ્રાક્ટરનુ બિલ અટકાવવા કાર્યવાહી કરશે ખરા? જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પોતાના ફાયદા માટે કોન્ટ્રાક્ટરનુ બાકી બીલ મંજુર કરાવવા તમામ પ્રયત્નો કરશે તેવુ લોકોમાં ચર્ચાય છે.
ગુજરાતમાં ભાજપના શાસનમાં રોડ, ગટર અને પીવાના પાણીની સુવિધા તો મળશે જ તેવુ વિચારીને લોકોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા હતા. પરંતુ ભાજપ સરકારમાં થયેલા વિકાસ કામોમાં સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા વિકાસકામો બરાબર થતા નથી અને ભાજપના શાસનમાં થતો ભ્રષ્ટાચાર ધીમેધીમે બહાર આવતા લોકોનો સરકાર પ્રત્યે ભારે રોષ પેદા થયો છે. ગત વિધાનસભાની ચુંટણી પહેલા વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટરે પુરતા પ્રમાણમાં સિમેન્ટ નહી વાપરતા રોડ તૂટી ગયો છે. રોડ ઉપર કપચી દેખાતા આ વિસ્તારના રહીશોને રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી હોવાની શંકા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનુ બિલ અટકાવવા કોઈ કાર્યવાહી કરી નહતી અને રોડનો ભ્રષ્ટાચાર ઢાંકવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ રોડની વચ્ચે ડીવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે ડીવાઈડરની બાજુમાં પડેલ માટીના ઢગલા નહી ઉપાડતા રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી ઉનાળાની ગરમીમાં રોડની આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો રાત્રીના સમયે બહાર બેસી શકતા નથી. વેપારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. હાલમાં લાખોના ખર્ચે બનાવેલ સીસી રોડ અને ડીવાઈડરની કામગીરી જોતા આવનારા ચોમાસાના વરસાદમાં રોડ ઉપર મસમોટા ખાડા પડવાની તથા ડીવાઈડરના બ્લોક ઉખડી જવાની પુરેપુરી શક્યતા છે. અને સરકારના લાખો રૂપીયા પાણીમાં જશે. આ વિસ્તારના લોકો ફરીથી ઉબડખાબડ રોડ ઉપર ફરતા નજરે પડશે. ત્યારે ભાજપ સરકારે રોડ ઉપરથી બહાર દેખાતા આબરૂના કાંકરા ઢાંકવા માટે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર તથા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી પડશે. જો સરકાર કોઈ કાર્યવાહી નહી કરે તો આજ પ્રજા ગત વિધાનસભાની ચુંટણીની જેમ આવનારી લોકસભાની ચુંટણીમાં ભાજપને મોટુ નુકશાન પહોચાડે તો કઈ કહેવાય નહી?


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles