લોકશાહીની પ્રણાલી જળવાય તે માટે આપે પેનલ ઉતારી
APMCમાં ભાજપ-આપની પેનલના ૨૧ ઉમેદવાર માટે આજે મતદાન
ચુંટણીમાં વેપારી વિભાગના અને ખરીદ વેચાણ સંઘ મંડળીઓ વિભાગના છ ઉમેદવારો બિનહરીફ થયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની યોજાનાર ચુંટણીમાં ખેડૂત વિભાગ, વેપારી વિભાગ તથા ખરીદ વેચાણ સંઘ મંડળીઓ વિભાગની કુલ ૧૬ બેઠકો માટે ૫૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં વેપારી વિભાગ અને ખરીદ વેચાણ સંઘ મંડળીઓ વિભાગના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા અત્યારે ખેડૂત વિભાગમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની પેનલના ૨૧ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાયો છે. ત્યારે આજે મતદાનના દિવસે તાલુકાની ૫૯ સેવા મંડળીના ૮૪૬ મતદારો મતદાન કરી ઉમેદવારોનુ ભાવિ નક્કી કરશે.
તા.૨૨ નવેમ્બર એટલે કે આજરોજ ચુંટણી અધિકારી નિમેશભાઈ પટેલ તથા પી.કે.ચૌહાણની હાજરીમાં વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ૧૬ બેઠક માટે ચુંટણી યોજાનાર છે. જેમાં ખેડૂત વિભાગમાં-૪૮, ફોર્મ, વેપારી વિભાગમાં-૪ ફોર્મ તથા ખરીદ વેચાણ સંઘ મંડળીઓ વિભાગમાં-૬ ફોર્મ મળી કુલ ૫૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન ચાર ફોર્મ રદ થયા હતા. જ્યારે વેપારી વિભાગમાં પટેલ પરેશકુમાર જયંતીલાલ(વિસનગર), પટેલ રાજીવકુમાર નરોત્તમભાઈ(કાંસા), ચૌધરી જેઠાભાઈ દલસંગભાઈ તથા પટેલ જગદીશકુમાર શંકરલાલ એમ ચારજ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરાતા આ બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના દિવસે ખરીદ વેચાણ સંઘ મંડળીઓના ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા આ બેઠકના ઉમેદવાર ચૌધરી હરેશભાઈ લવજીભાઈ (મગરોડા), અને પટેલ અંકિતકુમાર મફતલાલ(ઉમતા) બિનહરીફ જાહેર થતા તેમજ ખેડૂત વિભાગના ૪૪ ઉમેદવારોમાં ૨૪ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેચતા આ ચુંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની પેનલના ૨૧ ઉમેદવારો વચ્ચે સીધો ચુંટણી જંગ ખેલાયો છે. જોકે આ ચુંટણીમાં કોંગ્રેસે પેનલ નહી બનાવતા કોંગ્રેસ વતી છોગાળાના યુવા કાર્યકર અને વિસનગર તાલુકા માલધારી સેલના પ્રમુખ હેમુભાઈ રબારીએ અડીખમ યોધ્ધાની જેમ ખેડૂત પેનલમાંથી ઉમેદવારી નોધાવી હતી. પરંતુ કોંગ્રેસના કોઈ આગેવાને તેમને સહયોગ નહી આપતા ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યુ હોવાનુ હેમુભાઈ રબારીએ જણાવ્યુ હતુ. આ ચુંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગમાંથી પટેલ જયંતીભાઈ ગોપાળદાસ (કાંસા), પટેલ લક્ષ્મણભાઈ કાશીરામદાસ-એલ.કે.(સેવાલીયા), પટેલ મહેન્દ્રભાઈ જેઠાભાઈ(કંસારાકુઈ), પટેલ પ્રિતેશકુમાર પ્રભુદાસ (વાલમ), પટેલ રાજેન્દ્રકુમાર કાનજીભાઈ(આર.કે.-વિસનગર), પટેલ નટવરલાલ ઈશ્વરદાસ (સદુથલા), પટેલ ભરતભાઈ શંભુદાસ (ધામણવા), ચૌધરી રાજેન્દ્રભાઈ લવજીભાઈ(વિસનગર), ચૌધરી જશવંતભાઈ જેસંગભાઈ(ગુંજા) તથા ચૌધરી ભરતભાઈ જીવણભાઈ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીની કિસાન પેનલમાંથી ચૌધરી ભરતભાઈ હેમરાજભાઈ (દઢિયાળ), ઠાકોર પ્રવિણજી કાન્તિજી (ખદલપુર), પટેલ કાળીદાસ શંકરલાલ (લક્ષ્મીપુરા-ભાલક), પટેલ ગજેન્દ્રકુમાર દશરથભાઈ(ઘાઘરેટ), પટેલ તરૂણકુમાર મણીલાલ(બેચરપુરા), પટેલ યોગેશકુમાર અમરતભાઈ(બાકરપુર), પટેલ રમેશભાઈ ઉગરાભાઈ (સેવાલિયા), પટેલ લક્ષ્મણભાઈ પ્રભુદાસ(દેણપ), પટેલ હરેશકુમાર મણીલાલ(કંસારાકુઈ), તથા પટેલ હસમુખભાઈ મગનભાઈ(કડા) ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકાની ૫૯ સેવા સહકારી મંડળીના આશરે ૮૪૬ મતદારોમાં આજે કેટલા મતદારો મતદાન કરે છે અને કઈ પેનલને વિજયી બનાવે છે તેતો આવતીકાલે ચુંટણી પરિણામ જ કહી બતાવશે.