વિસનગરમાં વહીવટીતંત્રની લાપરવાહીનો પર્દાફાશ
ભાજપના સંનિષ્ઠ આગેવાનનુ કોરોનામાં કુદરતી મૃત્યુ દર્શાવતા સહાય નામંજુર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાતની ભાજપ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રૂા.પ૦ હજાર સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ વહીવટી તંત્રની લાપરવાહીના કારણે કેટલાય મૃતકોના વારસદારો સરકારની સહાયથી વંચિત રહી ગયા છે. જેમાં વિસનગરના વહીવટી તંત્રની બેદરકારીના લીધે કોરોનામાં મૃત્યુ પામેલા શહેરના ભાજપના પીઢ કાર્યકરની સરકારી સહાય નામંજુર કરવામા આવી હતી. જે બાબતે મૃતકના વારસદારે ધારાસભ્ય કાર્યાલયમાં યોજાતા લોકસંપર્ક કાર્યાલયમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરતા તેમને આ મૃતકની સહાય મંજુર કરવા પ્રાન્ત અધિકારીને ભલામણ કરી સહાયમાં જો મામલતદારે બેદરકારી દાખવી હોય તો તેમની સામે પગલા ભરવા સુચના આપી હતી.
મૃતકના વારસદારની રજુઆતથી આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની કોરોના મૃતકના વારસદારની સહાય અરજી મંજુર કરવા પ્રાન્ત અધિકારીને ભલામણ
સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના વારસદારોને રૂા.પ૦ હજાર સહાય આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ સહાય મેળવવા મૃતકોના વારસદારોને જરૂરી પુરાવા સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની હતી. ત્યારે વિસનગર તાલુકામાંથી કોરોના મૃતકોના આશરે ૧રપ વારસદારોને સરકારની રૂા પ૦ હજારની સહાય મેળવવા ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. વિસનગર શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા ભાજપના સંનિષ્ઠ કાર્યકર બચુભાઈ સોમાભાઈ નાયક કોરોના કાળમાં કોરોનામાં સપડાયા હતા. ત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે તેમની સારવાર કરાવી બચાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જો કે ધારાસભ્ય ઋષિભાઈના તમામ પ્રયત્નો બાદ પણ સારવાર દરમિયાન બચુભાઈ નાયકનું મૃત્યુ થયુ હતુ. જેથી મૃતકના પુત્રને સરકારની રૂા.પ૦ હજારની સહાય મેળવવા જરૂરી પુરાવા સાથે મામલતદાર કચેરીમાં ઓનલાઈન ફોર્મ ભર્યુ હતુ. જે ફોર્મની ચકાસણી દરમિયાન ગમે તે કારણે મામલતદાર કચેરીમાં આ મૃતકનું સહાય ફોર્મ નામંજુર થયુ હતુ. આ અંગે મૃતકના પુત્રએ દર રવિવારે ધારાસભ્ય કાર્યાલયમાં યોજાતા લોકસપંર્કમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરી હતી. ઋષિકેશભાઈ પટેલને ખબર હતી કે બચુભાઈ નાયકનું કોરોના બિમારીથી મૃત્યુ થયુ હતુ. જેથી તેમના વારસદારને સરકારની રૂા. પ૦ હજારની સહાયનો લાભ મળવો જોઈએ. ઋષિભાઈએ મૃતક બચુભાઈ નાયકના પુત્રને સરકારની સહાયનો લાભ અપાવવા તાત્કાલિન પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલીયાને ફોન કરી મૃતકના પુત્રની સહાય અરજી મંજુર કરવાની ભલામણ કરી હતી. તેમજ સહાય અરજી નામંજુર કરવામા મામલતદારે નિષ્કાળજી દાખવી હોય તો તેમની સામે પગલા ભરવા સુચના પણ આપી હતી. મંત્રી ઋષિકેશભાઈ પટેલની તાલુકાના કોરોના મૃતકો પ્રત્યેની સહાનુભુતી જોઈ કાર્યાલયમાં આવેલા રજુઆતકર્તાઓએ તેમની પ્રસંશા કરી હતી.