ઓક્સીજનની તંગી ન સર્જાય તે માટે ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ સજ્જ
વિસનગરમાં ૨૦૦ ઉપરાંત્ત ઓક્સીજન કોન્સન્ટ્રેટર સાથે બેંકની સ્થાપના
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજનની અભૂતપૂર્વ તંગી સર્જાઈ હતી. ત્રીજી લહેરની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. ત્યારે વિસનગર પંથક માટે ગૌરવ સાથે રાહતની બાબત છેકે ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંકની સ્થાપના કરવામાં આવી છે. પોસ્ટ કોવીડના દર્દિઓને પણ ઓક્સીજનની જરૂર પડતી હોય છે. ત્યારે જાણીતા ફીજીશીયન ર્ડા.કેતનભાઈ જોષી, ર્ડા.સ્મીતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલના પ્રયત્નોથી શરૂ કરવામાં આવેલી ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંક એ જરૂરીયાતનો દર્દિઓને પ્રાણવાયુ પુરો પાડશે. ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટના આ લોકસેવાના ઉમદા પ્રયત્નોથી હવે ઓક્સીજન વગર શ્વાસ થંભી જવાનુ અશક્ય બનશે.
કોરોના મહામારીની બીજી લહેરમાં ઓક્સીજન સાથેની સારવાર માટે ઓક્સીજન બેડ, ઓક્સીજન સીલીંડર તથા ઓક્સીજન કોન્સન્ટ્રેટર મશીન માટે લોકોને ભારે રજળપાટ કરવી પડી હતી. પૈસા ખર્ચતા ઓક્સીજન મળતો નહોતો. કોવીડ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાઓ થઈ રહી છે. બીજી લહેર આવી ભયાનક હતી તો ત્રીજી લહેર કેવી હશે તે વિચારથી લોકો ચીંતીત બન્યા છે. તંત્ર પણ ત્રીજી લહેર સામે સજ્જ બન્યુ છે. હોસ્પિટલોમાં ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે વિસનગર પંથક માટે રાહતના સમાચાર છેકે ત્રીજી લહેરમાં ઓક્સીજન વગર તરફડવુ પડે નહી તેવી ઉમદા સેવા ભાવનાથી ર્ડા.સ્મીતાબેન, ર્ડા.કેતનભાઈ જોષી અને તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.શુકલાબેન રાવલના પ્રયત્નોથી ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી અને વિસનગરમાં સૌપ્રથમવાર ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંકની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ૨૦૦ ઉપરાંત્ત ઓક્સીજન કોન્સન્ટ્રેટર મશીનનો સ્ટોક કરવાનો ટાર્ગેટ છે. હાલમાં આ ટ્રસ્ટ દ્વારા ૧૦૦ જેટલા કોન્સન્ટ્રેટર મશીનનો સ્ટોક કરવામાં આવ્યો છે. જેમને કોરોનાની સારવાર લીધી છે તેવા પોસ્ટ કોવીડ દર્દિઓને પણ ઘરે ઓક્સીજનની જરૂર પડતી હોય છે. ૧૦ કે ૧૫ દિવસ અથવા એકાદ મહિના સુધી કેટલાક પોસ્ટ કોવીડ દર્દિઓને ઓક્સીજન આપવો પડે છે. આટલા દિવસો સુધી ઓક્સીજન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો ઘણો ખર્ચ થતો હોય છે. ત્યારે ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીન ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંક પંથક માટે ખરા અર્થમાં આશિર્વાદરૂપ બનશે.
વિસનગર શહેરના જાણીતા તેમજ મહામારીમાં માનવ સેવા ધર્મ નિભાવનાર ફીજીશીયન ર્ડા.કેતનભાઈ જોષીના પત્ની તથા ર્ડા.વાસુદેવ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ર્ડા.સ્મીતાબેન જોષીએ ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંક બાબતે જણાવ્યુ છેકે, વિસનગર તાલુકાના સેવાલીયા ગામના વતની અને અમેરિકા સ્થાયી થયેલા ર્ડા.જશવંતકુમાર ગંગારામભાઈ પટેલ તથા ર્ડા.ઈલાબેન જશવંતકુમાર પટેલ દ્વારા સ્વ.ગંગારામભાઈ ખુશાલભાઈ પટેલ અને ગં.સ્વ.કંકુબેન ગંગારામભાઈ પટેલના સ્મરણાર્થે ટ્રસ્ટને ૫૦ ઓક્સીજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે. આ સીવાય ર્ડા.કેતનભાઈ જોષીના એટલાન્ટા રહેતા મિત્ર દ્વારા બીજા ૧૧૦ યુનિટનું શીપમેન્ટ કરવામાં આવ્યુ છે. બેંકમાં અત્યારે ૧૦૦ યુનિટ તૈયાર છે. મહામારીમાં લોકોની સેવા કરવાની તક મળી છે ત્યારે લોકસેવાની ભાવનાથી તેમજ ઓક્સીજન માટે રજળપાટ કરવી પડે નહી તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હોમટાઉનના ઓક્સીજન કોન્સન્ટ્રેટર બેંકની સ્થાપના કરવામાં આવી છે. ઓક્સીજન મશીન માટે સામાન્ય ડીપોઝીટ રાખવામાં આવી છે. દૈનિક કોઈ ચાર્જ રાખવામાં આવ્યો નથી.
ર્ડા.સ્મીતાબેન જોષીએ વધુમાં જણાવ્યુ છેકે, સ્મીત મેડીકલ એન્ડ હાર્ટ હોસ્પિટલ દ્વારાજ ઓક્સીજન મશીન વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત ન હોય તેમને ઓક્સીજન આપવામાં આવે તો જોખમી બની શકે છે. જેથી ર્ડા.કેતનભાઈ જોષી દ્વારા જેને જરૂરીયાત હોય તેમના રીપોર્ટ તપાસ્યા બાદ મશીન આપવામાં આવશે. મશીન ઘરે લઈ ગયા બાદ દર્દિ તેનો રોજેરોજ ઉપયોગ કરે છેકે નહી તે માટે મશીનના રીડીંગની વોટ્સએપ દ્વારા માહિતી લેવામાં આવશે. મશીન વાપરવામાં આવતુ નહી હોય પરત લેવામાં આવશે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમણનો ભોગ બને તેવી શક્યતા આધારે બાળકો માટેના માસ્કની પણ તૈયારી કરવામાં આવી છે. ઓક્સીજન મશીન માટે ર્ડા.સ્મીતાબેન જોષીનો મો.નં.૬૫૫૯૬ ૬૨૦૧૯ તથા ર્ડા.શુકલાબેન રાવલનો મો.નં.૯૬૩૮૦ ૬૦૮૨૯ ઉપર સંપર્ક કરી શકાશે.